આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10% જેટલું વધીને 92.06 % આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 13% જેટલુ વધીને 93.29% જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતા રાજકોટના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઝૂમી ખુબ સારા પરિણામ જાહેર થયાની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ 96 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 1063 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 889 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 3984 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે.
વિદ્યાર્થી સુજલ સાંચલાએ જણાવ્યુ હતું કે, ગુજકેટમાં 120માંથી 120 માર્કસ આવતાં ગુજરાત ફર્સ્ટ આવ્યો છું. જેથી આજે હું ખૂબ જ ખુશ છું અને પરિવારજનો તેમજ ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું. 12 સાયન્સમાં 99.89 પર્સન્ટાઇલ આવ્યા છે. ભવિષ્યમાં MBBS કરી તબીબ બની લોકોની સેવા કરવાં માંગુ છું. પિતા તેજસભાઈ જોબ કરે છે અને માતા પાયલબેન ગૃહિણી છે.
ધોળકિયા સ્કૂલના સંચાલક જીતુ ધોળકિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 92.06 ટકા તો સામાન્ય પ્રવાહનું 93.29 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે ખુબ જ સારું પરિણામ આવ્યું છે. ગત વર્ષની તુલનામાં પરિણામ ખૂબ સારું રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર સ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવ્યો અને તેને કારણે પરિણામ ઊંચું આવ્યું છે.