દલિત સમાજના નેતા અને વડગામના MLA જિજ્ઞેશ મેવાણી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા છેલ્લા 17 દિવસથી સતત રાજકોટમાં છે. દરમિયાન મેવાણી દ્વારા તે જ્યાં રોકાયા છે તે પથિકાશ્રમના કર્મચારીઓને થતા અન્યાય માટે મહત્વની કામગીરી કરી હતી. અહીં કર્મચારીઓને લઘુતમ કરતા ઓછું વેતન અપાતું હોવાનું ધ્યાનમાં આવતા મેવાણીએ શ્રમ-રોજગાર વિભાગના સચિવ અને કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ આ તમામ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તેવી વ્યવસ્થા કરી આપી હતી.
વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી હાલ સરકારી પથિકાશ્રમમાં રોકાયેલા છે. તેઓએ અહીં પોતાના રોકાણ દરમિયાન રિસેપ્શન ઉપર કામ કરતાં યુવાન કર્મચારીને પૂછ્યું કે કેટલો પગાર તમને આપે છે? જવાબ મળ્યો કે 8 હજાર! તુરંત જ જિજ્ઞેશ મેવાણીએ કલેકટર અને રાજ્યસરકારના શ્રમ રોજગાર વિભાગના સચિવ અંજુ શર્માને ફોન કરીને જાણ કરી હતી. અને જણાવ્યું હતું કે, ગત વર્ષે થયેલા વેતન સુધારા મુજબ સર્કિટ હાઉસના કર્મચારીઓનું લઘુતમ ધારા પ્રમાણે વેતન 12 હજારથી ઓછું હોઈ શકે નહીં, આ તો નર્યું શોષણ છે.