ગોંડલનાં જામવાડી જીઆઈડીસીમાં આવેલા પ્રાઇમ એગ્રો ફુડ પ્રોડકશન નામનાં કારખાનામાં ગત તા.26 ની રાત્રે કોઈ તસ્કરોએ બારીનો સળીયો વાળી અંદર પ્રવેશ કરી દરવાજાનાં ડિઝિટલ લોક તથા ટેબલનાં ખાનાનું લોક તોડી તેમા રહેલા રોકડ રુ.5,35,000 ની ચોરી કરાતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે સ્થાનિક પોલીસની સાથે એલસીબી સહિતની ટીમ ચોરીનો ભેદ ઉકેલવા ધંધે લાગી હતી અને લોકલ સોર્સ તેમજ પોકેટ કોપની મદદથી તેમાં વપરાયેલા વાહનો સહિતની કડીઓ મે઼ળવવામાં આવી હતી અને ચાર દિવસ પહેલાંના ગુનાનો ભેદ ખુલી જવા પામ્યો હતો.
બનાવ અંગે રુરલ એલસીબી પીઆઇ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોહિલ, હેડ.કોન્સ અનિલભાઈ ગુજરાતી,વાઘાભાઇ આલ, ભગીરથસિંહ જાડેજા, પો.કોન્સ.મહિપાલસિહ ચુડાસમાએ હ્યુમન સોર્સીઝ તથા સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરતા ચોરીનાં ગુનામાં કારનો ઉપયોગ કરાયાનું જણાતા શંકાસ્પદ વાહનો અંગે પોકેટકોપમાંથી માહિતી મેળવવામાં આવી હતી.જેમાં જીજે 03-oA 2366 નંબરની કારનો ઉપયોગ થયાનુ ખુલતાં પોલીસે વોચ ગોઠવી હતી.
જેમા સુરેશ્વર ચોકડી પાસેથી એ કાર પસાર થતાં તેમા બેઠેલા તસ્કરો રાજકોટની ગોંડલ ચોકડી દોઢસો ફુટ રીંગરોડ પર રહેતા અંકીત મહાદેવભાઈ ઉર્ફ કુમારભાઇ વિકાણી ઉ.વ. 24 તથા મોરબીનાં સનાળા ગોકુલનગરમાં રહેતા સુરજ સુખાભાઇ સોલંકીને ઝડપી લઇ રોકડ રૂ.3,18,900 મોબાઇલ, કાર સહિત રુ.4,04,400 નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.