પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ છેડાયેલો વિવાદ આજે 40 દિવસ બાદ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા સાથે આંદોલન પાર્ટ-1 ચલાવ્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા હાલ આંદોલન પાર્ટ-2 ચલાવવામાં આવી રહ્યું છે. જામનગરમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા છે. ક્ષત્રિય સમાજ દ્વારા અહીંથી ‘જય ભવાની, ભાજપ જવાની’નો નારો લગાવ્યો હતો.
નયનાબા જાડેજાએ કહ્યું હતું કે, જાદુગર આવીને જાદુ કરવાની કોશિશ કરે. પણ એ જાદુ વિફલ રહે તે માટે આજે ફરી એક વખત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં સમગ્ર જિલ્લામાંથી ક્ષત્રિય ભાઈઓ અને બહેનો આવ્યાં છે. અમે આજે શપથ લેશું ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના અને કરાવવાના. વડાપ્રધાન તરીકે તેમની ફરજ હતી જામસાહેબને મળવાની તે તેઓએ બજાવી છે અને જામસાહેબે પણ તેમની ફરજ નિભાવી છે. પણ તેનાથી આંદોલનને કંઈ ફરક નહીં પડે. કારણ કે તમે જોઈ શકો છો કે, આવા તડકામાં પણ અહિં મોટી સંખ્યામાં લોકો આવ્યાં છે. હમારી ભૂલ કમલ કા ભૂલ. ભાજપ વિરૂદ્ધ મતદાન કરશું અને કરાવીશું.