જામનગરમાં રૂપાલા હાય હાયનાં સૂત્રો શરૂ થતાં જ પોલીસે અટકાયત કરી

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માગ સાથે ‘રૂપાલા હાય-હાય’ના નારા લગાવતાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે હાજર રહેલાં મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો.

જામનગરની નીલકમલ સોસાયટી વિસ્તારમાં બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા હાય-હાયના નારા લગાવી કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કર્યો હતો, જેનું પુનરાવર્તન ગઈકાલે રાત્રે વૂલન મિલના ચાલી વિસ્તારમાં જોવા મળ્યું હતું, જ્યાં ભાજપ આયોજિત મોદીનો પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થતાંની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને કેટલીક ખુરસી ઉપર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે રૂપાલા હાય-હાય અને ટિકિટ રદ કરોનાં સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *