શહેરમાં ન્યૂ જાગનાથમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરતા પરિવારમાં શોક છવાયો છે. ન્યૂ જાગનાથમાં બિપીન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ વિનુભાઇ માંડલિયા એ પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની બહારથી ઘેર આવી દરવાજો ખોલતા પતિને લટકતો જોઇ દેકારો કરતા પાડોશીઓ આવી જઇને યુવકને ઉતારી જાણ કરતા 108ની ટીમે પહોંચી તબીબે યુવકને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસની વધુ પૂછતાછમાં પ્લમ્બરના લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા અને કેટલાક સમયથી કામ બરાબર ચાલતું ન હોય ગુમસૂમ રહેતા હતા. યુવકની પત્ની જામનગર તેના માવતરના ઘેર લગ્નનો પ્રસંગ હોય ત્યાં ગયા હતા અને ત્યાંથી પરત ઘેર આવતા હતા દરમિયાન રમેશભાઇએ તેની પત્નીને વોટ્સએપ ફોન કરી વાતચીત કરી હતી. બાદમાં તેના પત્ની ઘેર આવતા પતિને લટકતી હાલતમાં જોયાનું જણાવતા પોલીસે યુવકે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાની શંકાએ તપાસ હાથ ધરી છે.