જસદણ નગરપાલિકા દ્વારા ભાદર નદીના કાંઠે 6 કરોડના ખર્ચે બની રહેલો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો છે. આ કામગીરીમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. વિરોધ કરવા ગયેલા એક જાગૃત નાગરિક પર કોન્ટ્રાક્ટરના માણસોએ માલ ઠાલવી દાદાગીરી કરી હોવાનો બનાવ પણ સામે આવ્યો છે.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણની પ્રજા માટે 6 કરોડની ગ્રાન્ટ રિવરફ્રન્ટ બનાવવા ફાળવવામાં આવી હતી. આ કામનો કોન્ટ્રાક્ટ ‘જ્યોતિ ઇન્ફ્રા’ નામની એજન્સીને અપાયો છે. નિયમ મુજબ 6 ઇંચનું PCC (પ્લેન સિમેન્ટ કોંક્રિટ) કરવાનું હોય છે, પરંતુ તેના બદલે માત્ર 4 ઇંચનું કામ કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ છે.
વોર્ડ નંબર 7ના કોંગ્રેસના મહિલા સદસ્ય મંજુલાબેન ચોહલીયાના પતિ અને જાગૃત નાગરિક નીતિનભાઈ ચોહલીયાએ સ્થળ પર તપાસ કરતા આ ભ્રષ્ટાચાર પકડાયો હતો. નીતિનભાઈએ નબળા કામના સેમ્પલ માંગતા એજન્સીના માણસો ઉશ્કેરાયા હતા અને તેમના પર સિમેન્ટ, રેતી અને કાંકરીનો માલ ઠાલવી દીધો હતો.
આ મામલે જસદણ પાલિકાના ઇજનેર નિતીન સોંદરવાએ જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં એક-બે જગ્યાએ PCC કામ એક-બે ઇંચ ઓછું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.