જસદણમાં બાયપાસ રોડ પર ભાદર નદી પરનો પુલ હાલ જર્જરિત અવસ્થામાં છે. પુલ પર ઠેર ઠેર મોટા ગાબડાં પડી ગયા છે, જેના કારણે પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધી ગયો છે. આ પુલ પરથી પસાર થવું જોખમી બન્યું છે. તેમાંયે વરસાદી પાણી ભરાઇ જતા હોવાથી ખાડા દેખાતા ન હોવાથી વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે.
જસદણને જોડતો આ મુખ્ય માર્ગ છે અને દિવસભર હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી પુલની સપાટી પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાને કારણે આ ગાબડાં દેખાતા નથી, જેથી અકસ્માત થવાની સંભાવના અનેકગણી વધી જાય છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા તંત્રને આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પુલના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જો આ પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. પાણી ભરાયા પછી ગાબડાં દેખાતા ન હોવાથી વાહન ચાલકોને ભયના ઓથાર તળે પસાર થવું પડે છે.