જસદણમાં રસ્તો ઓળંગતી વખતે કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધ દંપતીનું મૃત્યુ થયું હતું. હિટ એન્ડ રનના આ કેસમાં આરોપી કાર ચાલક રણજીત મહેતાને શોધી કાઢી પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, ગઈ તા.18/02 ના રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં જુગાભાઇ પોપટભાઇ સાપરા તથા સામુબેન જુગાભાઈ સાપરા (રહે બન્ને જસદણ) જસદણ-આટકોટ બાયપાસ રોડ માનસી ફાર્મ હાઉસના ગેઈટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે કુલ-સ્પીડે પોતાનું વાહન ચલાવી અડફેટે લેતા જુગાભાઇ સાપરાનું ઘટનાસ્થળે મોત થયું હતું. સામુબેનનું ચાલુ સારવારમાં રાજકોટ સિવિલ ખાતે મૃત્યુ થયું હતું. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક વાહન લઈને નાસી ગયો હતો. જે અનુસંધાને જસદણ પોલીસ મથક ખાતે બી.એન.એસ. કલમ 106(1), 281 તથા એમ.વી.એક્ટ કલમ 177, 184, 134 મુજબનો ગુનો નોંધાયો હતો.
જે ગુનો શોધી કાઢવા માટે એસપી હિમકર સિંહે સૂચના આપતાં ડીવાયએસપી કે.જી ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસની ટીમએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી ગુનો ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પીઆઇ ટી.બી.જાનીને ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળી હતી કે, ગુનામાં સંડોવાયેલો વાહન ચાલક રણજીત ગુણવંતભાઇ મહેતા (રહે.જસદણ, શ્રી હરી સોસાયટી ચોટીલા રોડ) છે. જેથી રણજીત મહેતાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જે કારથી અકસ્માત સર્જાયો તે જીજે 1 એચકે 8706 નંબરની રણજીતની જ કાર છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.