જસદણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા પોલારપર રોડની અત્યંત ખરાબ હાલત અંગે જસદણ નગરપાલિકા તુરંત હરકતમાં આવી હતું. જેમાં વોરાના કબ્રસ્તાન નજીક આવેલા આ મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર અધધ ખાડા પડી જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું.
અનેક ગામોને જોડતા આ મુખ્ય માર્ગની દયનીય હાલત અંગે સ્થાનિકોમાં ભારે રોષ હતો અને નગરપાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠ્યા હતા. ત્યારે તા. 2 ઓક્ટોબરે અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે જ જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ આ ગંભીર સમસ્યાની નોંધ લીધી હતી અને પ્રજાની હાલાકી દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
અધિકારીઓએ તુરંત જ સ્થળ પર પહોંચીને ખાડાવાળા મુખ્ય રોડની સાઈડમાં રાહદારીઓ અને વાહનચાલકો માટે હંગામી ધોરણે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરી આપી હતી. નગરપાલિકા દ્વારા આ હંગામી વ્યવસ્થા ગોઠવાઈ જતાં જ, લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહેલા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો