જસદણ મુસાફરોની સલામતીના નામે માત્ર બણગાં ફૂંકતા એસ.ટી. નિગમનો અંધેર વહીવટ ફરી એકવાર છતો થયો છે. જસદણ એસ.ટી. ડેપોની રાજકોટ-બોટાદ રૂટ પર દોડતી બસ નંબર GJ-18 Z-6725 નો દરવાજો સરેઆમ તૂટીને લટકી પડતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે મુસાફરોનો જીવ એસ.ટી. તંત્ર માટે કોઈ જ કિંમત ધરાવતો નથી. સવારે નિયમિત રૂટ પર ઉપડેલી આ બસનો દરવાજો અચાનક તૂટી પડ્યો, જે બસની જર્જરિત હાલતનો પુરાવો આપે છે.
વારંવાર મુસાફરોની ફરિયાદો છતાં, તંત્ર દ્વારા આ બસોની જાળવણી કરવામાં આવતી નથી. આ ઘટના અંગે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. આ સાથે જ, રાજ્યભરમાં ચાલતી તમામ બસોની સુરક્ષા તપાસ કરીને આવી જર્જરિત બસોને તાત્કાલિક રૂટ પરથી હટાવી દેવી જોઈએ, જેથી ફરીવાર કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય.