જસદણ પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જસદણ નગરપાલિકા દ્વારા સને 2023-24 ના વર્ષની રોડ રીસર્ફેસીંગ ગ્રાન્ટ અંતર્ગત જસદણ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રોડ રીસર્ફેસીંગની કામગીરી હાલ પ્રગતિમાં છે. જે અન્વયે સ્મશાન રોડથી સરકારી હોસ્પિટલ સુધી રોડ રીસર્ફેસીંગની કામગીરી કરવાની હોવાથી અંદાજે 15 દિવસ માટે વીંછિયા રોડથી ચોટીલા- કમળાપુર મેઈન રોડથી આવતો ટ્રાફીક તેમજ આટકોટ તરફથી આવતો કમળાપુર-ચોટીલા અને વીંછિયા તરફ જતો ટ્રાફિક ડાયવર્ટ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જસદણ શહેરના ગોકુળ ચોકથી સરકારી હોસ્પિટલ પાસે મેઈન રોડ બંધ કરવો અત્યંત જરૂરી હોવાથી તા.27-5 થી તા.10-6 સુધી તમામ વાહનોને વૈકલ્પિક રૂટથી ડાયવર્ટ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોષી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ફ અને બ) અન્વયે મળેલ સત્તાની રૂએ વીંછિયા રોડથી અને કમળાપુર-ચોટીલા તથા આટકોટ રોડ પરથી જસદણ શહેરમાં પ્રવેશતા દરેક પ્રકારના વાહનોના ઉકત સમયગાળા દરમિયાન આવન-જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત સને-1951 નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131માં દર્શાવેલ શિક્ષાને પાત્ર બનશે.