જસદણમાં લોકમાતા ભાદર નદીની અવદશા, પ્લાસ્ટિકની ગંદકી બેફામ ઠલવાતાં નીર પ્રદૂષિત

જસદણ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના શાક માર્કેટના વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્લાસ્ટિકનો કચરો બેફામ રીતે ભાદર નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, કચરાનો આ ઢગલો ખુદ નગરપાલિકા કચેરીની સામે જ નજરે પડે છે, છતાં સત્તાધીશો આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. જસદણના શાક માર્કેટના વેપારીઓ વર્ષોથી પ્લાસ્ટિક, શાકભાજીના અવશેષો અને અન્ય કચરો નદીમાં નાખી રહ્યા છે.

આ કચરાના કારણે ભાદર નદીનું પાણી ગંભીર રીતે પ્રદૂષિત થઈ રહ્યું છે. પ્લાસ્ટિકના કચરાથી જળચર પ્રાણીઓ અને સમગ્ર જળજીવન જોખમમાં મુકાયું છે. આ કચરાના ઢગલાથી દુર્ગંધ ફેલાય છે અને પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભવિષ્યમાં નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે સ્વચ્છતા અભિયાનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરતું જસદણ નગરપાલિકા તંત્ર તેની કચેરીની સામે જ ફેલાયેલી આ ગંદકી પર ધ્યાન આપવામાં નિષ્ફળ રહ્યું છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે આ સમગ્ર પરિસ્થિતિથી અજાણ હોય તેવું વર્તન કરી રહ્યા છે. લોકોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *