જસદણમાં લાખોના ખર્ચે બનેલો સિમેન્ટ રોડ ભૂગર્ભ ગટર માટે તોડી પડાયો

જસદણ શહેરના ગોકુલ ચોકથી મોક્ષધામ તરફ જતા મુખ્ય માર્ગની દયનીય હાલત સુધારવા માટે એક-બે વર્ષ પૂર્વે જ જસદણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરીને નવો સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, નગરપાલિકાના બેજવાબદારીભર્યા આયોજનને કારણે આ માર્ગનું કાર્ય પૂર્ણ થયાના ટૂંકાગાળામાં જ તેને તોડી પાડવામાં આવ્યો છે.

આ સિમેન્ટ રોડને ફક્ત ચાર-પાંચ ઘર પૂરતી ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવા માટે ખોદી નાખવામાં આવતા, નગરજનોમાં ભારે રોષ અને આશ્ચર્ય પ્રવર્તી રહ્યું છે. નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, જ્યારે આ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો ત્યારે જ ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવાનું આયોજન શા માટે ન કરવામાં આવ્યું?

નગરપાલિકાના જવાબદારોની અણઆવડત કે બેદરકારીને કારણે પ્રજાના લાખો રૂપિયાનું પાણી થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાને કારણે નગરપાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *