જસદણમાં મોક્ષધામ રોડ પર જમ્બો સાઇઝનો ભૂવો પડ્યો

જસદણમાં પાલિકાની બેદરકારીનો વધુ એક જીવંત પુરાવો સામે આવ્યો છે. શહેરના મોક્ષધામ તરફ જતા મુખ્ય માર્ગ પર રોડની બરાબર વચ્ચે એક મસમોટો ભુવો પડ્યો છે, જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઉભો થયો છે.

આ મામલે સ્થાનિકો દ્વારા જસદણ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે, ભાજપ શાસિત જસદણ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સામે નગરજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

હાલની સ્થિતિએ જસદણ શહેરનો એકપણ માર્ગ ચાલવા યોગ્ય નથી. શહેરના નાગરિકોને નાછૂટકે કમ્મરતોડ રસ્તાઓ પરથી પસાર થવું પડી રહ્યું છે. રસ્તાઓની આ દયનીય સ્થિતિ છતાં,પાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે સત્તાધિશોને કશી જ પડી નથી.

મોક્ષધામ રોડ પરનો આ ભુવો ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ જોખમી સાબિત થઈ શકે છે. પાણી ભરાવાને કારણે ભુવો દેખાતો ન હોવાથી નાના-મોટા અકસ્માતોની શક્યતા વધી જાય છે. આ માર્ગે રોજિંદા અનેક વાહનચાલકો અને લોકોની અવરજવર હોય છે,

ત્યારે આ ભુવો કોઈ મોટા અકસ્માતનું કારણ બને તે પહેલાં જસદણ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી જસદણના નાગરિકો ઉગ્ર માંગણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *