જસદણ શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડની પાછળ આદમજી રોડને જોડતો ભાદર નદી પરનો પુલ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ પુલ જસદણ નગરપાલિકા કચેરીની બિલકુલ પાછળના ભાગે આવેલો છે. તેમ છતાં, શહેરના મુખ્ય માર્ગ પરના આ પુલની અવદશા તરફ તંત્રનું ધ્યાન જતું નથી.
આથી આ પુલ કોઇ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં તેની મરામત કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે. આ પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અને રાહદારીઓ પસાર થાય છે, જેમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ પુલ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે.
શહેરના હાર્દસમા આ વિસ્તારમાં આવેલો પુલ આવી દયનીય હાલતમાં હોવા છતાં તેની અવગણના થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે સત્વરે આ પુલનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ અકસ્માત ન થાય. જો આ મામલે વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવી શકે છે.