રાજકોટ ગ્રામ્ય LCBએ જસદણના લીલાપુર ગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલા ટ્રક સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી રૂ.59.36 લાખની કિંમતની 12,648 દારૂની બોટલ મળી રૂ.65.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઘટનામાં જેતપુરની ચોકીધાર ચેકપોસ્ટ પાસેથી સ્વિફ્ટ કારમાંથી રૂ.1.86 લાખની કિંમતની વિદેશી દારૂની 136 બોટલ કબ્જે કરવામાં આવી છે. જોકે ડ્રાઇવર નાસી છૂટ્યો હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે.
ટ્રકમાંથી 12,648 દારૂની બોટલ મળી આવી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે લીલાપુર ગામ નજીક આવેલા લીલાપુર હાયર સેકન્ડરી સ્કૂલની સામે જસદણ-વિંછીયા હાઇવે રોડ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક જુનાગઢ તરફ જતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ટ્રક નં. GJ-03-BW-7246માંથી રૂ.59,36,400ની કિંમતની 12,648 બોટલ દારૂ મળી આવ્યો હતો.
આ ઉપરાંત ટ્રક, મોબાઇલ, રોકડ રકમ મળી કુલ રૂ. 65,30,100નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રક ડ્રાઇવર ધર્મેન્દ્ર કૈલાશજી મેઘવંશી (રહે.કેસરપુરા, તા. પીસાંગલ, અજમેર, રાજસ્થાન) અને કિલનર ગોવર્ધનસિંગ કાલુસિંગ રાવત (રહે.કેસરપુરા, તા.પીસાંગલ, અજમેર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર શિવ પ્રતાપસિંહ (રહે. જયપુર રાજસ્થાન), વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યો વ્યકતિ અને ટ્રક ધારકની ધરપકડ કરવાની બાકી હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.