જસદણ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓના અણઘડ વહીવટ અને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગંગાભુવન વિસ્તારમાં વોર્ડ નંબર 5 અને 6 ને જોડતા મુખ્ય ડામર રોડ જે મોટાભાગે ચાલવા યોગ્ય હતો. ત્યાં નગરપાલિકા દ્વારા ટાસ પાથરી દેવામાં આવતા કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
આના કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જસદણ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં નવા રોડ-રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, જ્યાં રોડ માત્ર અમુક જગ્યાએ જ ખરાબ થયો હતો અને મોટાભાગનો રોડ સારો હતો, ત્યાં આખી સપાટી પર ટાસ પાથરી દેવાની જરૂર શા માટે પડી? આ કૃત્ય પાલિકા દ્વારા અગાઉ રોડ નિર્માણમાં આચરેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી રહ્યું છે તેવી ચર્ચાઓ હવે સ્થાનિકોમાં ચાલી રહી છે.ગંગાભુવન વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ટાસ પાથરી દેવાયા બાદથી આ રોડ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે.