જસદણના યુવા મિત્રો દ્વારા રમતગમત અને સંગઠનની ભાવનાને વેગ આપવા માટે શ્રી મહાદેવ યુવા પ્રીમિયર લીગ (મહાદેવ કપ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખાંડા હડમતીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ 6 દિવસીય ડે-ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં શિવશક્તિ ટીમે શાનદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
આ આયોજન વિશાલભાઈ રવિયા (સેહવાગ), જયવિરસિંહ જાડેજા, એસ.બી. રાવલ અને તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના છેલ્લા દિવસે ફાઈનલ મેચ શિવશક્તિ અને આર.સી.બી. ટીમ વચ્ચે ખેલાયો હતો. રમતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી આ મેચમાં શિવશક્તિ ટીમે વિજય મેળવતા જ મેદાન ગુંજી ઉઠ્યું હતું. ખેલાડીઓએ મેદાનમાં ફટાકડા ફોડી અ વિજયના વધામણાં કરી જીતનો ઉત્સાહ મનાવ્યો હતો.
આ ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે એસ.બી.રાવલએ જણાવ્યું હતું કે, જસદણના ખેલાડીઓમાં એકતા અને સંગઠનનો સંદેશ વહેતો થયો છે, જે આવનારા સમયમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવામાં મહત્વનો ભાગ ભજવશે.