જસદણના આટકોટ રોડ પર આવેલી સોલીટેર સોસાયટીમાં પીવાના પાણીના અનિયમિત વિતરણ ને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ હોવા છતાં, સોસાયટીના રહીશોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે, જે જસદણ નગરપાલિકાની ઉદાસીનતા અને કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. ઉલ્લેખનીય છેકે જસદણમાં લોકો રોડરસ્તા અને ગંદકીના પ્રશ્નનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભરચોમાસે પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ છે.
મંત્રીના મતવિસ્તારમાં જ પીવાના પાણીની કાયમી સમસ્યા આશ્ચર્યજનક બાબત એ છે કે, આ વિસ્તાર રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના મતવિસ્તારમાં આવે છે. તેમ છતાં, સોલીટેર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે. સોસાયટીના અનેક ઘરોમાં તો વર્ષોથી પીવાના પાણીનું એક ટીપું પણ મળતું નથી, જેના કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે..
નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર રોષ સોસાયટીના રહીશોની પ્રબળ માંગ છે કે, જસદણ નગરપાલિકાના “જાડી ચામડીના” અધિકારીઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાક્ટરો પાછળ સમય વેડફવાનું બંધ કરીને તાત્કાલિક ધોરણે સોલીટેર સોસાયટીની પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે. નગરજનો પણ માંગ કરી રહ્યા છે કે, નગરપાલિકા પ્રજાના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં બેદરકારી દાખવવાનું બંધ કરે.