સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં એક તરફ BCA સેમેસ્ટર- 4ના 3 પેપરના પ્રશ્નો લિક થયાના વ્હોટ્સએપ સ્ક્રીન શોટે ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આવા દૃશ્યો બિહારમાં જોવા મળતા હોય છે. પણ કમનસીબી એ છે કે, એજ્યુકેશનમાં આગળ એવા ગુજરાતમાં આવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા, એકબીજા સાથે વાતચીત કરતા અને મોબાઈલમાં વાત કરતા નજરે પડે છે. 5 વર્ષ પહેલા જસદણની કહોર કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ થયું હતું. આ જ કોલેજના વીડિયો હોવાનું સામે આવ્યું છે. રદ થયેલું પરીક્ષા કેન્દ્ર ફરી ક્યારે શરૂ કરી દેવામાં આવ્યું તે પણ એક સવાલ ઊઠ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના વાઇરલ વીડિયો મામલે દિવ્ય ભાસ્કર દ્વારા કુલપતિ ડો. નીલાંબરી દવેનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા ચોરીનો એ વીડિયો મને મળ્યો છે. જે બાબતે પરીક્ષા નિયામકને તપાસ સોંપવામા આવી છે. જસદણ કહોર કોલેજમા 3 ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે. તેમજ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. વિદ્યાર્થીઓની હોલ ટિકિટ સહિતની બાબતો ચકાસવામાં આવી રહી છે. આ ઉપરાંત કોલેજમાં ચાલતી પરીક્ષાની હાર્ડ ડિસ્ક મગાવવામાં આવી છે અને તપાસ ચાલુ છે.