જસદણ શહેરથી 10 કિલોમીટર દૂર હાઈવે પર આવેલું લીલાપુર ગામ લગભગ 4400ની વસ્તી ધરાવે છે. ગામમાં અનેક સુવિધાઓ હોવા છતાં, બે મુખ્ય સમસ્યાઓના કારણે ગામનો સર્વાંગી વિકાસ અટવાયો છે. ગામના આગેવાન વલ્લભભાઈ રામાણીએ સરકાર સમક્ષ ગામમાં રોડ-રસ્તા અને નદી પર પુલ બનાવવાની માંગ કરી છે.
લીલાપુર ગામમાં મોટાભાગના વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધા છે. જોકે, ગામના પ્લોટ વિસ્તારમાં અમુક જગ્યાએ રસ્તાઓ ન હોવાથી ત્યાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો આ વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં આવે તો આખા ગામનો વિકાસ વેગ પકડી શકે તેમ છે.
જસદણના લીલાપર ગામે આમ તો લોકોને લીલાલહેર જ છે, પાકા રોડ અને એક પુલની કમી સિવાય અન્ય કોઇ તકલીફ આ ગામના લોકોને સ્પર્શતી નથી.ગામમાં નિયમિત સાફસફાઇ થાય તેનું ગ્રામ પંચાયત ધ્યાન રાખે છે, પીવાના પાણીની કોઇ તકલીફ નથી.
અહી મોટાભાગના લોકોનો રોજગારીનો આધાર ખેતી છે. તેમ છતાં યુવા વર્ગ કે જે હવે ભણી, ગણીને શહેરમાં રોજગારી અર્થે પહોંચ્યો છે તેમના વડીલોના ગામમાં રહેવાથી ખેતી હરીભરી રહી છે. લીલાપુરને અન્ય ગામ અને શહેરો સાથે જોડતા રસ્તા પ્રમાણમાં ઘણા જ સારા છે, અમુક અંતરિયાળ માર્ગો કે જે હજુ પાકા બનાવી શકાયા નથી, તેના માટે જો ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તો આ ત્રુટી પણ નિવારી શકાશે અને લોકોને સાચા અર્થમાં આઝાદીનો અહેસાસ થશે.