રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાજાવડલા ગામના ખેડૂત પરિવારની માસૂમ દીકરીને જન્મથી જ હૃદય સંબંધી તકલીફ હતી પરંતુ પરિવાર અજાણ હતો અને બાદમાં જ્યારે આરબીએસકેની ટીમ તેમના ગામે ગઇ અને 4ડી સ્ક્રિનિંગ કરતાં ખ્યાલ આવ્યો કે હૃદયના ધબકારા અનિયમિત છે, આથી ટીમે પરિવારને સર્જરી અને સારવાર અપાવવાની વાત કરી ત્યારે પહેલાં તો પરિવાર તૈયાર ન થયો અને બાદમાં સમજાવટથી પરિવારની સહમતિથી બાળકીની નિશુલ્ક સર્જરી અને સારવાર કરી અપાતાં બાળકી હવે તદન સ્વસ્થ બની મોજથી જીવી રહી છે.
જસદણ તાલુકાના રાજાવડલા ગામે દિલીપભાઇ ધોડકિયાના ઘરે ક્રિષ્નાનો 24 એપ્રિલ,2023ના રોજ જન્મ થયો હતો. દિલીપભાઇ સામાન્ય પરિવારમાંથી આવે છે અને ખેતીકામ કરી ગુજારો કરે છે.
થોડા સમય બાદ આરબીએસકેની ટીમ ઘરે પહોંચી અને બાળકીનું 4ડી સ્ક્રિનિંગ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકીના ધબકારા અનિયમિત છે. આથી પરિવારને પીએમજય યોજના અંતર્ગત બાળકીનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી પરંતુ પહેલાં તો ખર્ચની બીકે પરિવાર તૈયાર જ ન હતો. બાદમાં આરબીએસકેના ડો. ઘનશ્યામ વાઘવાણી અને ડો. જસ્મિતા વેકરિયાએ પરિવારને બાળકીને જે તકલીફ છે તેની સારવાર નિશુલ્ક થઇ શકે છે તેવી સમજણ આપવામાં આવી હતી.
જેથી પરિવાર પણ સહમત થયો હતો અને રાજકોટ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જેમાં તેનો 2ડી ઇકો કરાતાં હૃદયમાં ખામી હોવાનું સામે આવ્યું હતું. આથી પીએમજય યોજના અંતર્ગત રાજકોટની જ ખાનગી હોસ્પિટલમા સારવાર આપવાનું નક્કી થયું હતું અને તે સર્જરી પણ સફળ રહી હતી.