જસદણના ગઢડિયામાં રોડની વચ્ચોવચ્ચ ખાડો પડી ગયો હતો અને પુરપાટ ઝડપે આવતા વાહન ચાલકોના જીવ પર જોખમ સર્જાઇ રહ્યું હતું. પ્રજાના પરસેવાની કમાણીમાંથી સરકારી તંત્ર દ્વારા કેવા કામ થાય છે તેના નમૂના જોવા હોય તો ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. આસપાસ નજર કરો તોય અનેક ઘટના સામે આવી જાય! જસદણના ગઢડીયા ગામ નજીક હાઈવે પર બનાવેલા રોડમાં હજુ તો લોકો મનભરીને ત્યાંથી પસાર થવાનો આનંદ લે તે પહેલાં સાવચેતીથી વાહન હંકારવું પડે તેવી નોબત આવી પડી છે અને રોડ વચ્ચે ખાડો પડ્યો છે. આ ખાડો ન તંત્રને દેખાયો કે ન કોન્ટ્રાક્ટરને દેખાયો. પરંતુ આ રોડ પરથી પસાર થતા એક જાગૃત વ્યક્તિએ અકસ્માત ન સર્જાય તે માટે રોડમાં બાવળો ગોઠવી વાહનચાલકોને સાવધાન કર્યા હતા. જેથી જસદણ-ગઢડા હાઈવેમાં બેદરકારી દાખવનારા અને રોડમાં હલકી ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા પગલાં લઈ ખાડાને બુરવાની કામગીરી કરવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે. અકસ્માત નીવારવા ખાડાને બાવળનું રક્ષણ આપવું પડ્યું હતું.