જસદણ શહેરમાં આટકોટ રોડ પર રાહદારીઓની સલામતી માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ફૂટપાથ આજે દબાણકર્તાઓના કબજા હેઠળ જોવા મળી રહ્યો છે. જેના કારણે રોડ પર ચાલવા માટે ફૂટપાથનો ઉપયોગ કરવાને બદલે રાહદારીઓને જીવના જોખમે વાહનોની વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. આટકોટ રોડ એ શહેરનો એક અત્યંત વ્યસ્ત માર્ગ છે.
અહીં એસ.ટી. બસ સ્ટેશન, અનેક હોસ્પિટલો, બેંકો અને સ્કૂલો આવેલી હોવાથી દરરોજ હજારો લોકોની સતત અવરજવર રહે છે. પાલિકા દ્વારા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આ ફૂટપાથ પર લારીઓ અને થડાવાળાઓએ ખુલ્લેઆમ દબાણ ઊભું કર્યું છે. આ દબાણના કારણે રાહદારીઓ માટે ચાલવાની જગ્યા જ બચી નથી. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે તો આ પરિસ્થિતિ વધુ જોખમી છે. તેઓને ફૂટપાથ છોડીને રોડ પર ચાલવાની ફરજ પડે છે, જેના લીધે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.
આશ્ચર્યની વાત એ છે કે આટલું ખુલ્લું દબાણ હોવા છતાં જસદણ નગરપાલિકાનું તંત્ર જાણે કે આંખ આડા કાન કરીને બેઠું છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પાલિકાની આ ઉદાસીનતાને કારણે રાહદારીઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે અને દબાણકર્તાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. અનેક વાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં કશી કાર્યવાહી થતી નથી.