રાજકોટની ભાગોળે નવા રિંગ રોડની બાજુમાં લોધિકા તાલુકાના જશવંતપુર ગામે 40 વર્ષ જૂના ગૌચરના તળાવમાં કલેક્ટર તંત્ર દ્વારા પછાત વર્ગના 160 લોકોને પ્લોટ ફાળવી દેવામાં આવતા ગામલોકો અને ગ્રામપંચાયતના સત્તાધીશોમાં ભારે નારાજગી અને રોષ પ્રવર્તી રહ્યો છે. દરમિયાનમાં આ ગૌચરની જમીનમાં યુદ્ધના ધોરણે જેસીબીની મદદથી તળાવ બૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરપંચ સહિતના ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તળાવનું બુરાણ અટકાવવા રજૂઆત કરી હતી. ગ્રામપંચાયતને જાણ કર્યા વગર પ્લોટ ફાળવી દેવાના કલેક્ટર તંત્રના પગલાંનો વિરોધ કરી ફાળવણી રદ ન થાય તો હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામજનો અને ગ્રામપંચાયતના શાસકોએ કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના જશવંતપુર ગામે નવા રિંગ રોડની બાજુમાં એક વિશાળ તળાવ આવેલું છે તેનાથી આજુબાજુના ખેડૂતો અને પશુપાલકોને અને દરેકને ખૂબ ફાયદો થાય છે. થોડા દિવસથી આ તળાવ બૂરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. જેથી ગ્રામજનોએ મળીને તેને રોકવાનો પ્રયત્ન કરતા તે લોકો કહે છે કે, સરકારે અમને અહીંયા પ્લોટિંગ ફાળવેલ છે. ગામની સીમ હોવા છતાં સરપંચ કે તલાટી મંત્રી કોઇને પણ જાણ કર્યા વગર આ પ્લોટિંગ કરેલ છે. કોઇપણ ચેકડેમ કે સરોવરને બૂરવું કે બીજા કોઇપણ ઉપયોગમાં લેવું હિતાવહ નથી. તેથી આ તળાવ બુરાઇ જશે તો ખેડૂતોને કાયમી પાણીના મોટા સંકટનો સામનો કરવો પડશે. આથી તળાવની અંદર જે નવું પ્લોટિંગ ફાળવેલ છે તે અન્ય જગ્યાએ ફાળવવું જોઇએ.