જમીનના મૂળ માલિકને 135(ડી)ની નોટિસ ન મળી એટલે થઈ શક્યા 17 દસ્તાવેજમાં ચેડાં

રાજકોટ શહેરમાં અબજો રૂપિયાની મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી લેવાના ચકચારી કૌભાંડની પોલીસ ધીમી ગતિએ તપાસ ચલાવી રહી છે ત્યારે આ કૌભાંડ આચરવામાં કૌભાંડીઓ કેવી રીતે સફળ રહ્યા તેની ‘દિવ્ય ભાસ્કર’ ની ટીમે તપાસ કરતા જેમની કરોડો રૂપિયાની મિલકતના બારોબાર દસ્તાવેજો બની ગયા છે તે મિલકતધારકોને 135(ડી)ની નોટિસ ન મળતા આ કૌભાંડ આચરવામાં તકસાધુઓ સફળ રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે. રાજ્ય સરકારે ભવિષ્યમાં પ્રજાજનોની મિલકતો બારોબાર વેચાઇ જાય અને તેમને જાણ પણ ન થાય તેવું ન બને તે માટે પોલીસી ઘડવી આવશ્યક હોવાનો જાણકારો મત વ્યક્ત કરી રહ્યા છે અથવા કલેક્ટર સરક્યુલર કરીને પણ આવાં કૌભાંડો અટકાવી શકે.

17 બોગસ દસ્તાવેજ કૌભાંડ પ્રકાશમાં લાવનાર રાવલ કૃષ્ણદત્ત રૂદ્રદત્તભાઇએ 19-12 એટલે કે ગુરૂવારે પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી કે, ફરિયાદીની રૈયા ગામની મિલકતમાં તલાટી મંત્રીએ 135(ડી)ની નોટિસ નહીં આપી ખોટી એન્ટ્રી પાડતા આ કૌભાંડ થયું હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

જેના અનુસંધાને પશ્ચિમ મામલતદાર અજીત જોશીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.6માં નોંધ પાડવી હોય તો જ 135(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.2માં નોંધ પાડવાની હોય છે જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *