જીવલેણ વાહન અકસ્માતના વધુ એક બનાવમાં યુવાનનું મોત થયું છે. મવડી ગુરૂકુળ પાસેથી સોસાયટીમાં રહેતો 18 વર્ષનો યુવાન બાઇક હંકારી કટારિયા ચોકડી તરફ જમવાનું લેવા જતો હતો ત્યારે છોટાહાથી વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મવડી જૂના ગુરુકુળ પાસે માટેલ સોસાયટી-6માં રહેતો મિલન મહેશભાઇ ગોડેશ્વર(ઉ.વ.18) સાંજે સાડા આઠેક વાગ્યે ઘરેથી બાઇક હંકારી જમવાનું લેવા જવા માટે નીકળ્યો ત્યારે કટારિયા ચોકડીએ છોટાહાથીની ઠોકરે ચડી જતાં બાઈક સહિત ફંગોળાઇ જતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મિલન બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો હતો. તે પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરતો હતો.