રાજકોટમાં રહેતી યુવતીને મૂળ માંગરોળ પંથકના વતની અને જન ઔષધી કેન્દ્રના સંચાલકે પોતે પરિણીત હોવા છતા અપરણિત હોવાનું કહી યુવતીને લગ્નની લાલચ આપી ફસાવી હતી. બાદમાં યુવતીને હોટેલમાં અને પોતે ભાડે રાખેલી રૂમ પર લઇ જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ પછી યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા યુવતીએ તપાસ કરતા આ શખસ પરિણીત હોવાનુ માલુમ પડ્યું હતું જેથી તેણે બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ પ્રેમનો પ્રસ્તાવ મુકી લગ્નની લાલચ આપી રાજકોટમાં રહેતી 30 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્માર્ટ સિટીમાં આવેલ લાઈટ હાઉસમાં રહેતા મિલન રામ પીઠડીયાનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશરે દોઢ-બે વર્ષ પેહલા નાણાવટી ચોક નજીક એસબીઆઈ ATMની નજીક આવેલા જન ઔષધી કેન્દ્રમાં દવા તથા વસ્તુ લેવા જતા ઔષધિ કેન્દ્ર ચલાવતા મિલન પિઠડીયા સાથે ઓળખાણ થઇ હતી અને વાતચીત થતાં પરીચય થતા બન્ને સંપર્કમાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2024માં આરોપીએ પ્રેમનો પ્રસ્તાવ મુકી તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપી હતી, જેથી તેને જણાવ્યું કે, ભવિષ્યમાં આપણા લગ્ન બાબતે કોઈ પ્રશ્ન વિવાદ ન થાય એટલે તમને જાણ કરૂ છું જેથી આરોપીએ કહ્યું કે, અમારા ગામમા પ્રેમ લગ્ન કરવાની છુટ છે.
હોટલ રૂમ પર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ મિલન 29 મે 2024ના રોજ કાલાવડ રોડ પર જ્ડ્ડુસ હોટલની બાજુમાં આવેલ નોવા સાઈન હોટલ પર લઈ ગયો હતો અને તેણે કહ્યું કે, આપણે નજીકના સમયમાં લગ્ન કરવાના છીએ તો થોડી વાતચીત કરવાની છે તેમ કહી હોટલના રૂમમાં લઈ ગયો ત્યારે તેણીએ આઈ.ડી. પ્રુફ પણ આપ્યું હતું અને તે હોટલના રૂમમાં પાંચેક કલાક રોકાયા દરમિયાન મિલન પીઠડીયાએ શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી, ત્યારે ના પાડવા છતા આપણે તો હમણા જ લગ્ન કરવાના છીએ તો આમા કહી ખોટુ નથી તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો.
હોટલની ના પાડતા પોતાના રૂમ પર લઈ ગયો હતો 25 જુલાઈ 2024 તથા તા. 8 ઓક્ટોબર 2024ના રોજ ફરી નોવા સાઈન હોટલના રૂમમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાં હોટલમાં આઈ.ડી.પ્રુફ આપવાના થતા હોય જેથી તે હોટલમાં લઈ જવાની ના પાડેલ તો નવેમ્બર 2024માં મિલન તેની બાઈકમાં બેસાડી કહ્યું કે, મારા રૂમે જઈએ અને ત્યાં મળીએ તેમ કહી તેના પરશુરામ ચોકડી પાસે આવેલ લાઈટ હાઉસ વાળા ભાડાના મકાન રૂમ નં.307 માં લઈ ગયો હતો અને તેણે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો.