જન્માષ્ટમી પર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે ફરસાણના ભાવ નક્કી કરાયા

મધ્યમ-ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીના અધ્યક્ષ સ્થાને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તહેવારોને અનુલક્ષીને ફરસાણ તથા લાઈવ ગાંઠિયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ માટેનું આયોજન કરવા વેપારીઓને અનુરોધ કરાયો હતો.

જેમાં વેપારીઓએ પ્રવર્તમાન બજારભાવ કરતા 10% જેટલા નીચા ભાવે વેચાણ કરવા સર્વસંમતિ આપી હતી. જાહેર જનતાના હિતાર્થે મધ્યમવર્ગને પોસાય તેમજ હર્ષ-ઉલ્લાસથી તહેવાર માણી શકે તે હેતુથી ફરસાણ અને મીઠાઈમાં ભાવ-બાંધણું કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાઝિયાં તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનિકારક રંગીન દ્રવ્યો ન વાપરવા તેમજ સારી ગુણવતાયુક્ત ફરસાણ, મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને સંમત કરાયા હતા. જે મુજબ લાઈવ ગાંઠિયા તથા ફરસાણ અને મીઠાઈમાં રાહતદરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સિંગતેલમાં લાઈવ ગાંઠિયા રૂ.485, ફરસાણ રૂ.430, કપાસિયા તેલ રૂ.430, ફરસાણ રૂ.340, પામોલીન તેલ લાઈવ ગાંઠિયા રૂ.410, ફરસાણ રૂ.285 ઉપરાંત બુંદી લાડુ, લાસા લાડુ તથા મીઠી બુંદીનો ભાવ રૂ.180 તથા મોહનથાળ, મૈસુબ રૂ.250 નક્કી કરાયો છે, તેમ પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે. લોકોને સારી મીઠાઇ મળી રહે તેની તકેદારી રાખવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *