જન્મદિવસ ઉજવીને મિત્રો સાથે જઇ રહેલી યુવતીની છેડતી કરી કપડાં ખેંચી હુમલો કર્યો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિની ચાડી ખાતી વધુએક ઘટના પ્રકાશમાં આવી હતી. 19 વર્ષની યુવતી તેના મિત્રો સાથે જન્મદિવસ ઉજવીને જઇ રહી હતી ત્યારે ન્યારી ડેમ રોડ પર એક શખ્સે તેની પજવણી કરી ઉશ્કેરાઇને યુવતીના કપડાં ખેંચ્યા હતા, જ્યારે તે નરાધમના સાથીદારે યુવતી પર લાકડીથી હુમલો કર્યો હતો.

શહેરમાં રહેતી 19 વર્ષની યુવતીનો મંગળવારે જન્મદિવસ હતો, આ યુવતી સાંજે તેની એક સહેલી અને અન્ય એક મિત્ર સાથે ન્યારી ડેમે કેફેમાં ગયા હતા, ત્યાં જન્મદિવસ ઉજવીને યુવતી સહિત ત્રણેય અલગ અલગ સ્કૂટર પર જઇ રહ્યા હતા અને ન્યારી ડેમ રોડ પર કાલાવડ રોડ નજીક એક દુકાન પાંસે પાંચેક શખ્સ બેઠા હતા, જેમાંથી એક શખ્સે સીટી મારી હતી,

યુવતી સામે સીટી મારતાં યુવતી અને તેના મિત્રો તે શખ્સ પાસે ગયા હતા અને આવું કેમ કર્યું તેમ કહેતાં જ તે શખ્સ ઉશ્કેરાયો હતો અને તે યુવતીને ગાળો ભાંડવા લાગ્યો હતો, બેફામ બનેલો શખ્સ બાજુમાં આવેલા ગેરેજમાંથી ડિસમિસ લઇ આવ્યો હતો અને ડીસમિસથી યુવતીના કપડાં ખેંચ્યા હતા. યુવતીની સરાજાહેર છેડતી થતાં દેકારો મચી ગયો હતો,

થોડી જ ક્ષણમાં છેડતી કરનારનો મિત્ર ધસી આવ્યો હતો અને તેણે યુવતીને લાકડીના ઘા ઝીંક્યા હતા, છેડતી બદલ માફી માગવાને બદલે તે નરાધમ અને તેનો સાથીદારે તમામ મર્યાદા મૂકતા લોકો એકઠા થઇ ગયા હતા અને યુવતી તથા તેના મિત્રોને આ માથાભારે શખ્સનો સકંજામાંથી છોડાવ્યા હતા, યુવતીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીઆઇ હરિપરા સહિતના સ્ટાફે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *