જનમંગલ રાજકીય પક્ષને નોટિસ ફટકારાઈ, બુધવારે સુનાવણી

ભારતના ચૂંટણી પંચે વર્ષ 2019થી લઈને 2025 સુધીમાં ચૂંટણી ન લડ્યા હોય તેવા પક્ષ, જેનું અસ્તિત્વ ન હોય, તેમજ માન્યતા વગરના રાજકીય પક્ષની યાદી તૈયાર કરી છે. જેમાં રાજકોટમાં જનમંગલ રાજકીય પક્ષનું નામ બહાર આવ્યું છે. જેને જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે અને સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પક્ષની નોંધણીનો આધાર, સરનામું, છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલા ફાળા સહિતની તમામ વિગતો માગવામાં આવશે.

રાજકોટના જનમંગલ પક્ષને નોટિસ મોકલી 26મીએ રાજકીય પક્ષ જનમંગલને સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.જેમાં જણાવ્યું છે કે, જનમંગલ પક્ષની નોંધણી રદ કરવી કે ચાલુ રાખવા બાબતે જનમંગલ પક્ષ જે રજૂઆત કરવા માગતા હોય, તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે કલેક્ટર કચેરીમાં કલેક્ટરની ચેમ્બર ખાતે બપોરે 12.00 કલાકે પક્ષના જવાબદાર પ્રતિનિધિએ રજૂઆત કરવા હાજર રહેવું. જો પક્ષના જવાબદાર પ્રતિનિધિ રૂબરૂ હાજર નહીં રહે તો આ બાબતે જનમંગલ પક્ષે કશું કહેવાનું નથી તેમ માનીને રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની દરખાસ્ત વડી કચેરીએ મોકલી આપવામાં આવશે.

જનમંગલ પક્ષે રૂબરૂ સુનાવણી દરમિયાન પક્ષની નોંધણીના આધારો, પક્ષનું નોંધાયેલું સરનામું, પક્ષનું હાલનું સરનામું, છેલ્લા 3 વર્ષમાં મેળવેલા ફાળાની વિગતો, પાછલી ચૂંટણી લડ્યા બદલ રજૂ કરેલો પક્ષનો ખર્ચ રિપોર્ટ, છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટ, પક્ષના હાલના હોદ્દેદારોની વિગત નામ, સરનામું અને સંપર્ક નંબર સાથે તેમજ, પક્ષની નોંધણી થયા બાદ આજ દિવસ સુધી પક્ષના ક્યા ઉમેદવાર, ક્યા વર્ષે, કઈ ચૂંટણીમાં અને કઈ બેઠક પરથી ચૂંટણી લડ્યા તેની વિગત રજૂ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *