જગદગુરુ રામભદ્રાચાર્યજીનું મોવિયામાં આગમન : પોથીયાત્રામાં સર્જાયો ભક્તિ

તાલુકાનું મોવિયા ગામ મહાસુદ પૂનમથી રામમય બન્યું છે. આ એ જ જગ્યા છે કે જ્યાં 9 ફેબ્રુઆરી સુધી પદ્મવિભૂષણ જગદગુરુ રામભદ્રાચાર્યજી ના મુખમાંથી વહેતી રામકથા શ્રવણનો અદભૂત લહાવો ભક્તોને મળવાનો છે.કથાના મંગલારંભ પૂર્વે હરદતપુરી બાપુના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને અત્યંત ભક્તિસભર માહોલ છવાયો હતો.

આ શોભાયાત્રા પંચાયત ચોક, સદાવ્રત મંદિર અને રામજી મંદિર (ચોરે) થઈને કથા સ્થળે પહોંચી હતી. સમગ્ર મોવિયા ગામ કેસરિયા રંગે રંગાયું હતું. યુવાનો, ભાઈઓ અને બહેનો ચોક્કસ ડ્રેસ કોડમાં સજ્જ થઈને જોડાયા હતા, જે શિસ્ત અને સમર્પણના દર્શન કરાવતા હતા. પોથીયાત્રાના માર્ગ પર ગ્રામજનો દ્વારા કંકુ-ચોખાના સાથિયા અને સુંદર રંગોળીઓ કરવામાં આવી હતી. ઠેર-ઠેર ફૂલવર્ષા અને આકાશમાં ઉડતા રંગબેરંગી મમરાઓએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

વ્યાસપીઠ પર સ્વયં તુલસીપીઠાધિશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી બિરાજમાન થઇને રામકથાની અસ્ખલિત ધારા વહેવડાવવાના હોવાથી તેમને સાંભળવા માટે માત્ર મોવિયા જ નહીં પણ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *