રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં શહેરના ઇતિહાસનું સૌથી મોટું ગણાતું 1509 મકાનનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કલેક્ટર હસ્તક આવતી જગ્યામાં ખડકાયેલા 1358 મકાનનું ડિમોલિશન પણ કરવામાં આવશે. ત્યારે દિવ્ય ભાસ્કર જંગલેશ્વર ડિમોલિશનની ઇનસાઈડ સ્ટોરી જણાવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં રાજકોટની મારવાડી કોલેજ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટનાં બે મહિના પૂર્વે એટલે કે ઓક્ટો.-નવે.-2025માં આ પ્લાન ઘડાયો હતો. ખુદ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ સ્થળે ગુનાખોરી વધી રહી છે, ત્યાંથી ગેરકાયદે દબાણો દૂર કરો, નહીં તો આ જગ્યા ગુનેગારો માટેનો મોટો અડ્ડો બની જશે, જેને લઈને તરત આ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે.
‘ગૃહમંત્રીએ મેપ જોઈ કહ્યું, આ વિસ્તારમાં ગુનાખોરી મોટા પ્રમાણમાં વધી રહી છે’ મનપા દ્વારા જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું એના ચારેક મહિના મહિના પૂર્વે રાજકોટનાં મ્યુ. કમિશનર તુષાર સુમેરા અને પો. કમિશનર બ્રજેશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં જંગલેશ્વરનો નકશો નિહાળતાં ખુદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગુનાખોરી મોટા પ્રમાણમાં વધી રહી છે. અને અહીં મોટા ભાગનાં ગેરકાયદે બાંધકામો છે. જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સમગ્ર વિસ્તાર ગુનાખોરીનો મોટો અડ્ડો બની જશે.