જંગલેશ્વરમાં મહિના બાદ પણ રસ્તાનું કામ માત્ર કાગળ પર!

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન અત્યારે તંત્રની ઉદાસીનતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ એક અભૂતપૂર્વ આયોજન સાથે આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વર્ષો જૂના 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ તે સમયે એવો દાવો કર્યો હતો કે, આ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને નદીના પટમાં વિકાસકાર્યો હાથ ધરીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવશે. જોકે, આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો હોવા છતાં, સ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે, જેના કારણે ફરી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત છે.

બે સરકારી વિભાગના સંકલનના અભાવે રસ્તાની પ્રક્રિયા કાગળ પર અટકી પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશન સમયે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે આ વિસ્તારમાં રસ્તાનું કામ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઇસ્ટઝોનના બાંધકામ વિભાગ અને ટી.પી. શાખા વચ્ચે સંકલનના અભાવે રસ્તા બનાવવાની પ્રક્રિયા કાગળ પર અટકેલી છે. ઇસ્ટઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ દ્વારા પણ આ રસ્તાના કામ અંગે કોઈ સ્પષ્ટ વિગતો કે સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.

બીજી તરફ, આજી નદીના પટમાં હજુ પણ કાટમાળના ઢગલા પડ્યા છે, જે વિસ્તારની સુંદરતા બગાડવાની સાથે-સાથે ગંદકી અને અવરોધનું કારણ બની રહ્યા છે. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કે ત્યાં ગાર્ડન અથવા રિવરફ્રન્ટ જેવા કોઈ વિકાસલક્ષી આયોજનની દિશામાં હજુ સુધી કોઈ નક્કર કદમ ઉઠાવવામાં આવ્યા નથી. સૌથી ગંભીર બાબત એ છે કે, વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે આ વિસ્તાર અત્યારે ખંઢેર જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *