સરધાર નજીક આવેલા લોધિડા ગામે રહેતાં દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ.49) નામના આધેડ આજે બપોરે પોતાનું બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સરધાર તરફથી પૂરપાટ ઝડપે આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો અને પોલીસ તેનો પીછો કરતી હોવાથી કાર ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી બે બાઈક સવારોને હડફેટે લીધા હતાં. અગાઉ ગઢડીયા ગામ નજીક એક બાઈક સવારને અડફેટે લીધા બાદ લોધિડા નજીક દિનેશભાઈને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજીડેમ પોલીસે દારૂ ભરેલી કારના ચાલકને ઝડપી કારની તલાસી લેતાં તેમાંથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર કબજે કરી કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત સામાકાંઠે દૂધની ડેરી પાસે ગામેતી હોલ નજીક શેરી નં.1માં રહેતો રહેમાન હનીફભાઈ નગરીયા (ઉ.વ.14) નામનો સગીર આજે સવારે 11 વાગ્યાના આસપાસ જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ગોકુલનગર શેરી નં.3માં બફ વર્કસ નામના કારખાને હતો ત્યારે ચાલુ લીફટમાં ફસાઈ જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.