જંકશન પ્લોટનાં માર્ગો પરથી દબાણો દૂર કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2026ને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને જંકશન મેઈન રોડ પર રૂબરૂ ચાલીને સફાઈ કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરવા અને જાહેર સ્થળોને સુવ્યવસ્થિત રાખવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.

બાદમાં કમિશનર દ્વારા જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કેન્દ્રના મેડિકલ ઓફિસર પાસેથી દૈનિક OPD, દવાની ઉપલબ્ધતા અને સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતીઓ મેળવી હતી. આ ઉપરાંત, આયુષ્યમાન ભારત કાર્ડની નોંધણી પ્રક્રિયા અને ટી.બી. નિયંત્રણ અભિયાન હેઠળ થતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. અગાઉ તેમણે જ્યુબિલી ગાર્ડનમાં વર્ષ 2018થી 1024 સ્ક્વેર મીટર વિસ્તારમાં કાર્યરત કંપોસ્ટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં શાક માર્કેટના ભીના કચરામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી “વેસ્ટ ટુ વેલ્યુ”ના અભિગમને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું. અને તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *