છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક: રૂપાલા

સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને મનનીય વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે જ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આકરી ટકોર કરી હતી.

રૂપાલાએ પોતાના વક્તવ્યમાં સમાજમાં આવતાં પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે છે એ સમાજ માટે શરમજનક છે. બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે.

રૂપાલાએ જણાવ્યું હતું કે આપણે ભવનો બનાવવાનાં છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ-નિયમ પ્રમાણે ચાલવું છે? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે અને અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયા છે. પાંચ-પચ્ચીસ વર્ષ પહેલાં એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા અને આપણે તો હજી વિચારણા પણ નથી શરૂ કરી.

આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહલગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય – કચ્છ આહીર સમાજ, એની એક જ તારીખ, એ તારીખે જ બધાનાં લગ્ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *