રાજકોટનાં છાપરા દેવળા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજકોટથી ખીરસરા સુધી હાલમાં કાર્યરત સિટી બસ સેવાને છાપરા ગામ સુધી લંબાવવાની માંગણી કરવામાં આવી છે. આ વિસ્તરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છાપરા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા હજારો કામદારોને સુવિધા પૂરી પાડવાનો છે. મ્યુ. કમિશનરે આ રજૂઆત બાબતે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.
છાપરા ગામના ઉદ્યોગો સુધી સિટી બસ સેવા લંબાવવા રજૂઆત સમસ્યા અને માંગણીની રજૂઆત એસોસિએશનના પ્રતિનિધિ, અરુણભાઈ રોકડે સમગ્ર મામલે મ્યુ. કમિશનરને જણાવ્યું કે, છાપરા ગામમાં 300થી વધુ નાના-મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ ઉદ્યોગોમાં કામ કરતા મોટાભાગના કામદારો રાજકોટ અથવા આસપાસના વિસ્તારોમાંથી આવે છે. હાલમાં જાહેર પરિવહનની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેઓને પોતાના અંગત વાહનો જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર, પર નિર્ભર રહેવું પડે છે. આ દૈનિક મુસાફરી જોખમી સાબિત થાય છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે.
વધુમાં, અરુણભાઈએ જણાવ્યું કે, આ કામદારો આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. ટુ-વ્હીલર પર આવવા- જવાથી થતો દૈનિક ખર્ચ તેના માટે આર્થિક બોજ સમાન છે. જો તેના માટે સિટીબસ સેવા શરૂ કરવામાં આવે તો, મુસાફરીનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે અને તેઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ બસ સેવા તેમના માટે સુરક્ષિત, સસ્તી અને નિયમિત પરિવહનનો વિકલ્પ પૂરો પાડશે. હાલ રાજકોટથી ખીરસરા સુધીની બસ સેવા પહેલેથી કાર્યરત છે અને ખીરસરાથી છાપરા ઇન્ડસ્ટ્રિયલ એરિયાનું અંતર માત્ર 4 કિલોમીટર જેટલું જ છે. આટલા ઓછા અંતરને કારણે બસ રૂટને લંબાવવો સરળ છે અને તેનાથી કોઈ માળખાકીય કે સંચાલન સંબંધી સમસ્યાઓ ઊભી થશે નહીં.