જો તમે કોઇ લગ્ન સમારોહમાં પોતાના નાના બાળક સાથે જતા હોય તો જરા સાચવજો. કારણ કે છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક લગ્ન સમારંભમાં 3 વર્ષના બાળકનું ડ્રાય આઈસ ખાધા બાદ મોત થયું હતું. દુલ્હા-દુલ્હનની એન્ટ્રી ગ્રાન્ડ બનાવવા માટે ધુમાડો કાઢવા માટે ડ્રાય આઈસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેદરકાર ઈવેન્ટ મેનેજરે ડ્રાઈસ આઈસના ઉપયોગ બાદ સ્ટેજ પાસે તેને ખુલ્લામાં ફેંકી દીધો હતો. બસ પછી શું ત્યાં રમતા નાના બાળકો તેને બરફ સમજીને ખાઈ ગયા.
કહેવામાં આવી રહ્યું છે કે તેને ખુલ્લામાં ફેંકી દેવાથી ઘણા બાળકો તેને ગળી ગયા હતા, જેના કારણે તેમની તબિયત પણ બગડી હતી. મામલો લાલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે ટોલાગાંવમાં સંતોષ સાહુના પરિવારમાં લગ્ન સમારોહ હતો. પાડોશમાં રહેતી મહિલા તેના 3 વર્ષના પુત્ર ખુશાંશ સાહુ સાથે આવી પહોંચી હતી. તે તેના પુત્રને છોડીને બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ. આ દરમિયાન ખુશાશ સ્ટેજ પાસે રમી રહ્યો હતો.
સ્ટેજ પાસે ડ્રાય આઈસ ફેંકવામાં આવ્યો હતો. જ્યારે ત્યાં રમતા બાળકોએ ડ્રાય આઈસ જોયો તો તેમને બરફ સમજીને ખાઈ લીધો. થોડા સમય પછી ખુશાંશ અને અન્ય બાળકોની તબિયત બગડવા લાગી. પરિવાર તેને પહેલા ઘરે લઈ ગયો. દરમિયાન ખુશાંશ બેભાન થઈ ગયો. પરિવાર તેને રાજનાંદગાંવ મેડિકલ કોલેજ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.