રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવતાના દર્શન દુર્લભ બન્યા છે અને ધ્રાબડિયા ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે. શહેરમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઊલટી સહિતના અલગ-અલગ બીમારીના 1925 કેસ એક સપ્તાહમાં મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ગત સપ્તાહે વિવિધ રોગના 1837 કેસ નોંધાયા હતા જેમાં ઝડપી વધારો થયો છે અને આ સપ્તાહમાં 1925 કેસ નોંધાયા છે. આ વખતે કમળો, ટાઇફોઇડની સાથોસાથ ચિકનગુનિયાનો કેસ પણ નોંધાયો છે. ગત તા.30-6 થી 6-7 વચ્ચે આરોગ્ય વિભાગના ચોપડે મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુ અને મેલેરિયાના એકપણ કેસ નોંધાયા નથી, પરંતુ ચિકનગુનિયાનો એક કેસ થયો છે. જ્યારે શરદી-ઉધરસના 699, સામાન્ય તાવના 938, ઝાડા-ઊલટીના 291, ટાઇફોઇડના 2 અને કમળાના 4 કેસ નોંધાયા છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ગત સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 44825 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 352 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 91 અને કોમર્સિયલ 244 આસામીને નોટિસ આ૫વામાં આવેલ છે તથા 44 આસામી પાસેથી મચ્છર ઉત્પત્તિ સબબ રૂા.33,000નો વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે.