ભારતીય ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ FIDE ચેસ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટની વિમેન્સ કેટેગરીના 10મા રાઉન્ડમાં યુક્રેનની અન્ના મુઝીચુક સામે ડ્રો રમ્યો. આ ડ્રોથી મળેલા અડધા પોઈન્ટ્સ સાથે વૈશાલી ટોચ પર પહોંચી ગઈ. બીજી તરફ, ભારતીય ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને રશિયાની એલેક્ઝાન્ડ્રા ગોર્યાચકિના સામે હારનો સામનો કરવો પડ્યો.
ઓપન કેટેગરીમાં ભારતના ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદને ઉઝબેકના જાવોખિર સિંદારોવ સામે હારનો સામનો કરવો પડ્યો. પ્રજ્ઞાનંદ આ હાર બાદ 7મા નંબર પર સરકી ગયા. ટુર્નામેન્ટ સાયપ્રસના પાફોસમાં રમાઈ રહી છે. હજુ ચાર રાઉન્ડ બાકી છે.
ટોપ-6 ખેલાડીઓ વચ્ચે 1 અંકનો તફાવત
10મા રાઉન્ડમાં વૈશાલીને ખાસ મુશ્કેલી ન પડી અને રમત કોઈ ઉતાર-ચઢાવ વિના ડ્રો રહી. ઝુ ઝિનેરને બિબિસારા અસાઉબાયેવા સામે હારનો સામનો કરવો પડ્યો, જેનાથી વૈશાલીને લીડ મળી.
ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક બની રહી છે. ટોપ-6 ખેલાડીઓ વચ્ચે 1 પોઈન્ટનો તફાવત છે. ઝુ ઝિનેર અને અન્ના મુઝીચુક 5.5 પોઈન્ટ સાથે વૈશાલીથી અડધો પોઈન્ટ પાછળ છે. 11મા રાઉન્ડમાં વૈશાલીનો મુકાબલો ગોરિયાચકીના સામે થશે, જ્યારે દિવ્યા ઝુ ઝિનેર સામે રમશે.
ગુકેશે જીતી હતી છેલ્લી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ
છેલ્લી વખત ભારતના ડી. ગુકેશે તેને જીતીને ચીનના ડિંગ લિરેનને પડકાર્યો હતો. ત્યારે ગુકેશ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતનાર ભારતના બીજા ખેલાડી બન્યા હતા. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે 1995માં પહેલીવાર કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતી હતી.