રાજકોટ સહિત રાજ્યભરમાં ચેરિટી કમિશનરના કર્મચારીઓની બદલીના સામુહિક ઓર્ડરો નીકળ્યા હતા. જેને લઇને કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, અભિપ્રાય લીધા વગર જ બદલી કરી દેવામાં આવી છે. રાજ્યભરના કર્મચારીઓની જે બદલી થઇ હતી તેમાં રાજકોટના પાંચ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. જો કે સોમવારે સાંજે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં જે કર્મચારીઓની બદલી કરવાની હતી તે મોકૂફ રાખવા માટે હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેરિટી કમિશનરના કર્મચારીઓએ અમદાવાદ, ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, એક તો પહેલેથી જ કર્મચારીઓની ઘટ છે તેવા સંજોગોમાં સામૂહિક બદલીને કારણે તેની અસર કામગીરી પર જોવા મળશે. જ્યારે વિશાળ પાયા પરની બદલીઓ થતી હોય ત્યારે અનુભવી અધિકારીઓ સાથે વાતચીત કરીને વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાનો હોય છે પરંતુ આ બદલીના જે ઓર્ડરો નીકળ્યા છે તેમાં કોઇ અભિપ્રાય જ લેવામાં આવ્યો નથી.
સામૂહિક બદલીના નિર્ણયને કારણે તમામ મહિલા કર્મચારીઓને તેઓના કુંટુબથી દૂરના સ્થળે બદલી કરી અને નોકરી ના કરી શકે તેવા પ્રતિકૂળ સંજોગો ઊભા થયા છે. જો કે આ રજૂઆત રાજ્યભરના ચેરિટી કમિશનરના કર્મચારીઓએ કરી હતી. સામૂહિક બદલીને કારણે કર્મચારીઓમાં રોષ હતો પરંતુ સોમવારે નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હાલમાં જે બદલીનો જે આદેશ કરવામાં આવ્યો તેનો બીજો હુકમ ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.