રાજકોટના સાધુ વાસવાણી રોડ પારિજાત રેસિડેન્સીમાં રહેતા રૂપાબેન વાલજીભાઇ મકવાણા જે પ્રાઇવેટ ટ્યૂશન તથા કાઉન્સેલિંગનું કામકાજ કરતાં હોય તેમણે જામનગર રહેતા અને શિક્ષણ સાથે જોડાયેલા આરોપી હેમંતભાઇ આત્મારામભાઇ ભદ્રા સાથે પરિચયમાં હોય ફરિયાદીએ આરોપીને કટકે-કટકે બાર લાખ પચાસ હજાર આપ્યા હતા. જેમાં આરોપીએ આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદી રૂપાબેનએ રાજકોટની અદાલતમાં કેસ કરેલ જે કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી સજા અને હુકમ તારીખથી 12.50 લાખનો દંડ પેટે કોર્ટમાં જમા કરવવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી એન.આઇ.ઓ.એન.નું સેન્ટર લેવા માગતા હોય અને આરોપીએ વિશ્વાસ આપ્યો કે મારે દિલ્હીમાં મોટા સાહેબો સાથે સારા સંબંધો હોય તેમાં તેને હાર્દિક ગોયેલનો પરિચય કરાવ્યો અને રૂ.12.50 લાખની માંગ કરી હતી. જેથી તેને રૂપિયા ચૂકવી આપ્યા હતા અને તેની પહોંચ પણ આપી હતી ત્યાર બાદ હાર્દિક ગોયેલએ ફરિયાદીને સેન્ટર નહીં આપતા વારંવાર વાત કર્યા બાદ દોઢ લાખ પરત આપ્યા હતા. બાકીના નહીં આપી આરોપીએ ચેક આપ્યો હતો જે ફરિયાદી એ ચેક બેંકમાં નાખતા રિટર્ન થયો હતો. જેથી અારોપીને નેગોશીએબલ હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટની કોર્ટમાં ફરિયાદ કરવામાં અાવી હતી જે કેસ ચાલી જતા કોર્ટે આરોપી હેમંત આત્મારામ ભદ્રાને તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા અને એક માસમાં રૂપિયા કોર્ટમાં જમા કરાવે તેમજ રૂ.10 હજાર દંડના જમા કરવાનો જજ શુક્લએ હુકમ કર્યો હતો.