રાજકોટ બાર એસોસિએશનની આગામી તા.20મીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જેમ જ રાજકોટ બાર એસોસિએશનની મતદારયાદીમાં પણ અવસાન પામેલા અને ડુપ્લિકેટ નામ હોવાની એડવોકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે ત્યારે આ મુદ્દે જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો 400થી વધુ વકીલના નામો મતદારયાદીમાંથી નીકળી જવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે.
એડવોકેટ જાડેજાએ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તા.2-12-2024ના રોજ વન બાર વન વોટની મતદારયાદી પ્રસિદ્ધ થયેલ હોય તેમાં મતદારોની સંખ્યા 3387 છે જે મતદારયાદી સનદ મુજબ પ્રસિદ્ધ થયેલ હોય તેમાં સને 1950થી 2024 સુધીના એડવોકેટના નામ નોંધાયેલા છે. જ્યારે રાજકોટ બાર એસોસિએશનની તા.26-11-2024ના રોજ જે મતદારયાદી પ્રસિદ્ધ થયેલ છે તેમાં મતદારની સંખ્યા 3699 છે. આમ બન્ને મતદારયાદીમાં મતદારોની સંખ્યામાં ઘણો મોટો તફાવત હોય જેમાં પ્રોવિઝનલ સનદવાળા એડવોકેટ કે જેઓને મતદાનનો અધિકાર પ્રાપ્ત થતો ન હોય તેવા અને અમુક અવસાન પામેલા એડવોકેટ અને અમુક નામ-અટક ડુપ્લિકેટ થતા હોય તેવા એટવોકેટના નામ આવેલા હોય મતદારોની સંખ્યામાં જે વિસંગતતા રહેલી છે તે દૂર કરવા અને સભ્યોનું નવું ઇલેક્શન લિસ્ટ જાહેર કરવા માગણી કરી છે.