ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પરથી પસાર થતી એક કારમાં અચાનક જ આગ ભભૂકી હતી અને જેવી કાર ચાલકને જાણ થઇ કે તરત તે કારમાંથી બહાર નીકળી જતાં સદનસીબે જાનહાનિ થઇ ન હતી પરંતુ નેશનલ હાઇવે પર જ પળવારમાં કાર અગનગોળો બની જતાં વાહનોના થપ્પા લાગ્યા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેર પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને ટ્રાફિક ક્લિઅર કરાવવો પડ્યો હતો. જો કે કારમાંં આગ શા કારણે ભભૂકી એ અકબંધ રહેવા પામ્યું છે.
વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ચાલુ કારમાં અચાનક આગ લાગવાની આવી જ એક ઘટના સામે આવી છે. ગોંડલના ભોજપરા ગામ નજીક ચાલુ કારમાં ઓચિંતા આગ ભભુકવા લાગી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ ગઇ હતી. આ ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર સળગી ઉઠતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.ગોંડલ નગર પાલિકા, ફાયર બ્રિગેડ સ્ટાફને ઘટના અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ગોંડલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.