રાજકોટ સ્થિત પટેલ બોર્ડિંગમાં વિદ્યાર્થી સાથે થયેલ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના પોક્સો કેસમાં હસમુખ ચકુ વસોયાની ચાર્જશીટ પછીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જે-તે સમયે આરોપી ગૃહપતિએ કુકર્મ આચરી સગીર વયના વિદ્યાર્થીને ગાલે બચકા ભર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
વિદ્યાર્થીને બહેન તેડવા ગઈ ઘટના સામે આવી રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર સરદાર નગર સોસાયટીમાં આવેલી લેઉવા પટેલ છાત્રાલયમાં રહેતા અને ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને મોબાઈલમાં ન્યુડ વીડિયો અને ફોટા બતાવી ગૃહપતિ હસમુખ ચકુ વસોયા (ઉં.વ.52) દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ માલવીયા નગર પોલીસ મથકે નોંધાઇ હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક હોસ્ટેલ પહોંચી આરોપીને સકંજામાં લઇ તેની પૂછપરછ કરી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. રક્ષાબંધનના તહેવાર નિમિતે રજા હોવાથી વિદ્યાર્થીને તેડવા તેના મોટા બહેન આવ્યા હતા, ત્યારે સગીરના વાસામાં અને ગાલ પર ઈજાના નિશાન જોવા મળ્યાં હતાં. તેમના બહેન દ્વારા બાળકને પૂછતાં કરતા ગભરાયેલા સગીરે પ્રથમ તેની સાથે અભ્યાસ કરતા સહપાઠીઓએ તેની સાથે રેગિંગ કરી મારકૂટ કર્યાનું કહ્યું હતું. પણ બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતા પોલીસે સગીરને હકીકત પૂછતાં ભાંડો ફૂટ્યો અને આધેડ ગૃહપતિએ કરેલ કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.
સગીર વિરોધ કરે તો આરોપી પટ્ટાથી મારતો સગીરે પોલીસને જણાવ્યું હતું કે, તે 4 મહિનાથી અહીં હોસ્ટેલમાં રહે છે. એકાદ મહિનાથી ગૃહપતિ વસોયા બાપુ રાતે તેને એક રૂમમાં લઈ જતો અને પોર્ન વીડિયો બતાવતો પછી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો. કૃત્ય કરતી વખતે તે સગીરના ગાલે બચકા ભરતો. આવું કરવાની ના પાડતા ગૃહપતિએ ધમકી આપી હતી કે, બનાવની જાણ કોઈને કરીશ તો તારું ભણતર બગાડી નાખીશ. ઉપરાંત વિરોધ કરે તો પટ્ટાથી માર મારતો હતો. પોલીસે આરોપી ગૃહપતિ વિરુદ્ધ આઇપીસી કલમ 377, 323, 506(2) અને પોક્સોની કલમ 6, 12 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.