રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચાંદી ચોરી કેસમાં અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ચાર આરોપીઓને આજરોજ બી ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા આવતીકાલ સાંજ સુધી રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે, જેને લઈ પોલીસે આરોપીઓની અલગ-અલગ દિશામાં પુછપરછ શરૂ કરી છે. પોલીસની તપાસ દરમિયાન વધુ એક આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપી રતનસિંગને અમદાવાદ ખાતે તેડવા માટે શ્રવણ નામનો શલહસ આવ્યો હતો અને બન્ને પરત રાજસ્થાન ગયા હતા.
આ ઉપરાંત રતનસિંગે તેમના ભાગમાં આવેલ ચાંદી પૈકી 6 કિલોથી વધુ ચાંદી વેચવા માટે આપી હતી. જે પૈકી 4 લાખ રૂપિયા શ્રવણએ રતનસિંગને આપ્યા હતા અને બાકીના પૈસા શ્રવણે રાખ્યા હતા. જોકે, શ્રવણ કોણ છે? કેટલા રૂપિયામાં ચાંદી વેચ્યું હતું સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રતનસિંગને મળેલ ચાર લાખ પૈકી બે લાખ રૂપિયા મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા જયારે બાકીના બે લાખ બચ્યા હતા, જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન ચોરી કરવા આવેલા આરોપીઓ વચ્ચે ભાગબટાઈ થતા બધાના ભાગે 30-30 કિલો ચાંદી આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય આરોપી શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ મૂળ રાજસ્થાનનો વતની હોવાનું અને મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. શૈલેન્દ્રસીંગ દારૂ, ચોરી, છેતરપિંડી, ઘરફોડ ચોરી અને ઠગાઈ કરવા ટેવ ધરાવતો હોવાનું પકડાયેલ આરોપીઓએ કબૂલાત આપી છે. એકાદ વર્ષ પહેલા શૈલેન્દ્રસીંગ સુરતમાં આંગડિયા પેઢીને નિશાન બનાવી હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસે તમામ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.