રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજરોજ (21 જુલાઈ) સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે. તો રાજકોટમાં પણ વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તેમજ બનાસકાંઠાના પાલનપુર શહેરના 1 અને ડીસાના સદરપુરના 1 દર્દીનું મોત થઈ ગયું છે. ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 84 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 31 થયો છે. હાલ 42 દર્દીઓ દાખલ છે, જ્યારે 3 દર્દીને રજા આપી દેવામાં આવી છે. ગતરોત વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાઈરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે.
સુરતમાં ચાંદીપુરાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સચિન સ્લમ બોર્ડમાં રહેતા પરિવારની 11 વર્ષની દીકરીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીનાં સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે