રણછોડનગર વેકરિયા મેઈન રોડ નજીક સોની દંપતીના ઘરમાં ઘૂસી પાંચ શખ્સે માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પ્રૌઢના ખાલી પ્લોટમાં ઘાસ ઊગી નીકળતા અગાઉ તેમાં આગ લાગી ગઈ હોઈ જે બાબતે પડોશમાં જ રહેતા આ શખ્સ સાથે અવારનવાર ઝઘડો થતો હોઈ જેમાં પ્રૌઢને માર પડ્યો હતો.
આ બનાવમાં શહેરના રણછોડનગર શેરી નં.08માં રહેતા રાજેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ સોની(ઉં.વ.59) દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિષેક રામાણીનું નામ આપ્યું છે.
રાજેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે પચ્ચીસ વર્ષ અગાઉ એક પ્લોટ લીધેલો હોઈ જે પ્લોટ આરોપી અભિષેક રામાણીના ઘરની બાજુમાં જ આવેલો છે. આ પ્લોટમાં ઘાસ ઊગી નીકળ્યું હોઈ જે બાબતે આ અભિષેક અને તેના પરિવારના સભ્યો સામે તેમને અવાર-નવાર માથાકૂટ થતી હતી.
જે દરમિયાન તા.19ના રાત્રિના દશેક વાગ્યે રાજેન્દ્રભાઈ પોતાની પત્ની સાથે ઘરે હતા ત્યારે આ અભિષેક અને અજાણ્યા પાંચ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બંને પતિ-પત્ની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા.
આ ઉપરાંત રાજેન્દ્રભાઈને છૂટે હાથે માર મારી ફરી ઘર પાસે આવી હુમલો કરતા રાજેન્દ્રભાઈના જમાઈ નિખિલે 112 જનરક્ષકને જાણ કરી હતી.
વધુમાં રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આ અભિષેકે તેમના પ્લોટમાં કોઈ કારણસર આગ લાગતાં આ કૃત્યુ કર્યું છે. આ મામલે પ્રૌઢની ફરિયાદ પરથી આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.